Wednesday, August 10, 2022

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ.
 
સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સાથે જ પોતાની હથેળી જોઈ અને શ્લોક બોલવો ત્યાર પછી પલાંઠી વાળીને બેસો અને માનસી કરો જેમાં શ્રીજી મહારાજ મહંત સ્વામી મહારાજ અને આપણા હૃદય કમલમાં રહેલા પરમાત્માને પણ યાદ કરો એવું Gratitude કરો કે ભગવાને મને સવારે ઉઠાડયો આ જિંદગી આપી સારી નિંદ્રા આપી અને આજનો દિવસ મારી બાકી રહેલી જિંદગી નો છેલ્લો દિવસ છે. આભાર
 
ત્યારબાદ ભૂમિ પર પગ મુકતા સાથે પણ Gratitude કરો આ ધરતીએ મને કેટલું સુખ આપ્યું છે તેનો પણ આભાર માની અને પછી જ એક કદમ આગળ ચલો
 
વાસી થુંક આંખમાં અંજન કરો અને કાચમાં આપનો ચેહરો જોઇ અને તમે ધન્ય છો તમે સમર્થ છો, હું બધાને પ્રેમ કરું છું, બધા મને પ્રેમ કરે છે, હું શાંત છું, હું દરેક કાર્ય કરવા માટે સમર્થ છું, મારા માટે બહુ અને બધી જ સાનુકૂળ થઈ રહી છે. મારી સફળતા માટે ઘણી બધી તકો મારી સામે આવીને ઉભી છે અને રાહ જુવે છે હું મારા મનને અને મારા વિચારોને આ સફળતાના સામ્રાજ્ય માટે હંમેશા ખુલ્લા રાખું છું.
 
મનોમન Self talk સેલ્ફ ટોક પણ કરું છું ડગલે અને પગલે આવા સાચા સત્પુરુષ મને જે પ્રાપ્ત થયા, આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, આ દેશ પ્રાપ્ત થયો છે, આ કાળ તેમજ આવા દિવ્ય સત્પુરુષ પ્રાપ્ત થયા છે, આવો દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો છે, આવી સમજણ પ્રાપ્ત થઇ છે, અને તેમાં પણ શિરમોર એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ, આજ સમજણ જ આપણાને કલ્યાણના માર્ગ તરફ દોરી જશે.
 
તેથી જ તો જીવો ત્યાં સુધી જીવનમુક્ત, અને દેહ છોડ્યા પછી અત્યાંતિક મુક્તિ. આપણું કલ્યાણ નિશ્ચિત જ છે. અક્ષરધામ જ જવું છે એવો જ એક સંકલ્પ છે. દ્રઢ આત્મવિશ્વાસ સાથે રોજ હું સેલ્ફ ટોક કરું છું.
 
નિત્ય છ વિચાર કરું છું. પ્રાપ્તિનો વિચાર, રાજીપાનો વિચાર, ભગવાનના કર્તાપણાનો વિચાર, આત્મ વિચાર, સાંખ્ય વિચાર, મહિમાનો વિચાર
 
મારી દૈનિક ક્રિયામાં જેમ કે, સ્નાન કરતી વખતે દિલ્હી અક્ષરધામના નીલકંઠ વર્ણી અને મહંત સ્વામી મહારાજ ને સ્મરણ કરતા-કરતા સ્નાન કરીએ છીએ. ધીમે ધીમે મહંત સ્વામી જેમ ક્રિયા કરે, એવીરીતે કરવાનો આદર શરૂ કર્યો છે.
 
હજુ પણ પૂજા બરાબર કરતો નથી ઝડપથી કરું છું, ઘણું બધું થઈ શકતું નથી, તો તેમાં સુધારો થાય શ્રીજી મહારાજ અને પ્રગટ સતપુરુષ રાજી થાય તેવી હું પૂર્ણ નિત્ય પૂજા કરી શકું તે માટે પ્રાર્થના છે, પૂજામાં હું નવા શ્લોકો તેમજ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિનો મોટેથી ઉચ્ચારણ કરું છું.
 
હવેથી તપની માળા, પ્રદક્ષિણા અને દંડવત પણ કરવાના શરૂ થાય છે. તે માટે પ્રાર્થના કરું છું.
 
પૂજા બાદ શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષા વાંચન થાય છે પરંતુ સત્સંગ દીક્ષા નો પાઠ નિયમિત થાય તેમજ યોગી ગીતાનું વાંચન થતું નથી તે પણ કરવું
 
નિત્યવાંચન વચનામૃત અને સ્વામીની વાતો વાંચવામાં આવે છે. હવે જીવન ચરિત્રનું વાંચન શરૂ કરવું તેમજ જનમંગલ નામાવલી થાય છે તેની સાથે સહજાનંદ નામાવલીનો પાઠ પણ કરવો.
 
દરેક બાળકો તેમજ વડીલોને પણ મનોમન યાદ કરીને પગે લાગવાનું કાર્ય થઈ રહ્યું છે તે ચાલુ રાખવું.
 
ત્યારબાદ વડતાલના હરિકૃષ્ણ મહારાજને બોચાસનના પૂ.ત્યાગ વલ્લભ સ્વામીના સમજાવ્યા મુજબ "મહંત સ્વામી, સ્વામિનારાયણ" "મહંત સ્વામી, સ્વામિનારાયણ" મહંત સ્વામી સ્વામી નારાયણનો ભાવ આદ્ર ભાવે નિત્ય પ્રાર્થના કરું છું. એટલુંજ નહીં દરેક ક્રિયા, બહાર જતી વખતે મૂર્તિને પગે લાગીને કરું છું.
 
નાસ્તો કરતી વખતે શ્લોક અને સ્મૃતિ કરવી
 
આજના દિવસનું પ્લાનિંગ કરું કૅલેન્ડર અને વોટ્સએપ અને ન્યૂઝ જોવા દરેક કાર્યમાં ભગવાનને સંભારીને કાર્ય થાય તે માટેનો હવે પ્રયત્ન શરુ કર્યો છે.
 
જમતી વખતે શ્લોક અને સ્મૃતિ ગાન કરવું સાંજે સ્મૃતિ સહિત સ્નાન કરવું સાંજે મંદિર અથવા સંસ્કાર ધામ દર્શન કરવાનો નિયમ રાખો આરતી અને અષ્ટક આખા બોલીને કરવા
 
રાત્રે બીજા દિવસનું પ્લાનિંગ કરવું
રાત્રે ઘરસભા અથવા એરિયા સભા
રાત્રે સૂતી વખતે ઠાકોરજીના દર્શન કરી સ્મૃતિ કરી અને પછી જ સૂવું.
 
ભગવાન સંબંધ વિડીયો જોવા ગુરુ હરિ દર્શન, ચેસ્ઠા ગાન કરવું હાલ ફક્ત સાંભળવામાં આવે છે.
 
છેલ્લે Gratitude કરી અને શયન માનસી કરી અને પછી શયનમાં જવું.
 
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ અમદાવાદ
23 ડિસેમ્બર 2020
11.57am
 
પુનઃ અવલોકન 9 ઓગસ્ટ,2022બોસ્ટન, USA
 


Thursday, July 28, 2022

“મરી તો બધાને જવાનું છે, પણ શતાબ્દીની સેવા કરી અમર ન થઇ જઈએ !!!”

 સમગ્ર સજીવ સૃષ્ટિમાં ભગવાને મનુષ્યને મુખ્યત્વે બે ભેટ આપેલી છે. એક બુદ્ધિ અને બીજું વાણી. સામાન્યતઃ બીજા બધા જ પ્રાણી જગતમાં મનુષ્યને આ વિશેષ ભેટ પ્રાપ્ત થયેલ છે.

 

બુદ્ધિનું મુખ્ય આઉટકમ જોઈએ તો વિચાર છે. આપણે સૌ આ વિચારને વાણી અને વર્તન દ્વારા વહેવારમાં વ્યવહારમાં લાવીને જીવન સાફલ્ય બનાવતા હોઈએ છીએ. એટલે જ તો એવું કહેવાય છે ને કે, “વિચાર બનાયે જિંદગી.”

 

જંગલનો રાજા સિંહ જ્યારે વિહાર કરતો હોય છે, ત્યારે સતત થોડા થોડા અંતરે પાછળ વળીને જોતો હોય છે જેને ‘સિંહાવલોકન” કહેવામાં આવે છે, તેવી જ આપને સતત આપણું મુલ્યાંકન કરતાં રહેવું અને તેથી જ તો ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરતા જણાવ્યું છે, કે “નિરંતર પાછું વાળીને પાછું વળીને જોયા કરવું છે, જે મારે શું કરવાનું છે અને હું શું કરી રહ્યો છું?”

 

શ્રીમદ્  ભાગવત ગીતાના નીચોડ તરીકે અંતમાં અર્જુન કહે છે, ‘કરિષ્યે તવ વચનમ’  એ જ અધ્યાત્મનો નિચોડ અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણાને “આજ્ઞા અને ઉપાસના” દ્વારા જણાવે છે.

 

ત્યારે વર્તમાન કાળે આવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા એ જ આપણા માટે સર્વસ્વ છે. વર્તમાન કાળે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવા એ જ આપણા માટે આજ્ઞા છે. એટલે તો તેમણે લખ્યું કે, “મરી તો બધાને જવાનું છે, પણ શતાબ્દીની સેવા કરી અમર ન થઇ જઈએ !!!”

 

એટલું જ નહિ, પરંતુ ખાતરી આપી કે. “જે શતાબ્દીની સેવામાં સમર્પિત થશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે.” તો હવે આવા અવસરે, આપણે કેવળ એક જ વિચાર કરવાનો કે “હવે મારો વારો છે,  મહંતસ્વામી મહારાજનો નારો છે,  શતાબ્દી સેવા એ જ મારું જીવન છે.”

 

અસ્તુ,

જય સ્વામિનારાયણ

 

નરેન્દ્ર રાઠોડ

બોસ્ટન, અમેરિકા

તારીખ 27 જુલાઈ 2022

રાત્રે 11:53 વાગે.



કેટલાક સંકલિત વોટ્સેપ મેસેજ :
4/3/22 આશીર્વાદ

શતાબ્દી ની સેવામાં સમર્પિત થાશે તેનો વ્યવહાર મહારાજ સંભાળશે
પ્રારબ્ધ અનુસાર બધાને મળે છે
અત્યાર સુધી વ્યવહાર મહારાજ સ્વામી એ જ સંભાળ્યો છે
કરોડપતિ ઍક દિવસોમાં રોડપતિ થઈ જાય
વિશ્વાસે રેતી માં વહાણ ચાલે
મનના તુક્કા મૂકી સેવામાં પહોંચી જવું
પહેલાનાં જમાનામાં મૂછનો દોરો આપે લાખ રૂપિયા મળે- વિશ્વાસ
વિશ્વાસ હોય તો શું ન થાય
મહારાજ સ્વામી જરૂર આપણું સારુ કરશે જ
અત્યાર સુધી જેમણે બાપા માટે કર્યું છે તે કોઈનો વ્યવહાર બગડ્યો નથી
મહારાજ સ્વામી કર્તા છે
બગડ્યું છે એ આપણા સારા માટે જ છે
આટલી મોટી હસ્તી જવાબદારી લે છે
સુદામા તાંદુલ આપ્યુ સોનાનો મહેલ થયો આપણા સોનાના હૈયા થશે
શુભ શુભ થાય દુનિયામાં બધાનું ભલું થાય
બીજા વિશ્વાસ થી પટકાયા છીએ ભગવાનમાં વિશ્વાસ થી કામ થાશે
સજ્જન બધાનુ સારુ ઈચ્છે ભગવાન પર છોડી દો એમણે જે ધાર્યું છે એ કરશે j તો શું કામ ચિંતા કરવી
ખેતી નોકરી મૂકી સેવા કરી લેવી આ સેવા ફરી નહીં આવે
સિનેમા જોવા બધું આઘુંપાછું કરીએ છીએ
દૂધનો દાઝલો છાશ ફૂકી પીવે પારકા માં વિશ્વાસ આવે
ભગવાન અને સંત ને રાજી નથી કર્યા તો જન્મ ધર્યો શું કામનો
અનુકૂળતા ન હોય તો કરવાની
હાથ માં બાજી આવેલ ખોઈ રહ્યાં છીએ
કષ્ટ તો પડશે જ પણ ઘડતર થઇ જાશે અધ્યામિક ઘડતર
મોક્ષ માર્ગ મળી જાશે
કાચો લોટ મમરા ચણા ખાઈ આ કાર્ય કરી લેવુ જે ન કરે તો મૂર્ખ હશે

મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો

★*.✧*:。¸¸•*¨*•..•*¨*• ¸¸。:*✧.*★
*પ.પૂ.મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો*
★*.✧*:。¸¸•*¨*•..•*¨*• ¸¸。:*✧.*★

(૧)

શાસ્ત્રીજી મહારાજ ના ૪ પ્રસંગ - અડધા કામાદિક દોષ બળી જાય - મહંતસ્વામી મહારાજ ને સંતો એ પૂછ્યું : "આપના આવા કોઈ પ્રસંગ કહો" - મ.સ્વા.મ : " યોગીબાપાએ પાંચ ઉપવાસ કરાવ્યા તે" - એકદિવસ યોગીબાપા ની હાજરીમાં ઉપવાસ કર્યો - સવારે ઠાકોરજીના દર્શન કરી,બાપાને પગે લાગી પારણાં કરવાનો ક્રમ - યો.મ. ને પગે લાગવા ગયા - યો.મ : " ગુરુ, આજે ઉપવાસ કરી લ્યો ! મહારાજ બહુ રાજી થશે." - બીજો ઉપવાસ થયો - ત્રીજા દિવસે ફરી ઠાકોરજીના દર્શન કરી બાપાને પગે લાગવા ગયા - યો.મ. : " આજે ઉપવાસ કરો તો સ્વામી બહુ રાજી થશે !" - આજ રીતે ચોથે ને પાંચમે દિવસે થયુ - યોગીબાપાના વચને સળંગ પાંચ દિવસના નિર્જળા ઉપવાસ કર્યા - મ.સ્વા.મ ને થયું હવે છઠ્ઠા દિવસે શું થશે? - છઠ્ઠે દિવસે સવારે યોગીબાપા પાસે ગયા - બાપાએ ખૂબ જ રાજીપો બતાવ્યો - જાતે લીંબુપાણી બનાવી રાખેલું. - પોતાના હાથે મ.સ્વા.મ ને પારણાં કરાવ્યા - ગુરુ વચન ઝીલવાની કેટલી તત્પરતા !!!
━•┈━══━┈┈━══━┈•━

(૨)

વર્ષો પહેલા -  ગોંડલમાં મહંતસ્વામી  સવારે વહેલા પૂજા કરવા બેઠાં - ધ્યાન કરતા હતા - ધ્યાન કરી રહ્યા પછી આંખ ખોલી - જોયું તો પૂજા અદ્રશ્ય !!! - મૂંઝાઈ ગયા - " મારી પૂજા ક્યાં ગઈ હશે ? કોણ લઈ ગયું હશે ? - ગળામાં  માળા હતી - વિચાર્યું : " અક્ષરદેરીમાં જાઉં, ત્યાં જઈ માળા ફેરવીશું, કંઇક જાણ થશે" - દેરીમાં ગયા - ત્યાં જઈ જોયું તો યોગીબાપા અક્ષરદેરીમાં મહાપૂજા કરતા હતા ને એ મહાપૂજા માં મહંતસ્વામી ની પૂજા ગોઠવેલી હતી - યોગીબાપાની મહાપૂજામાં અલૌકિક રીતે પ્રસાદીની થયેલી પૂજા અત્યારે પ.પૂ. સ્વામીશ્રી કરી રહયા છે - ગુરુ ને પણ શિષ્યનો કેટલો મહિમા !!!
━•┈━══━┈┈━══━┈•━

(૩)

મહંતસ્વામી મહારાજ ૨૦૧૭ ના આફ્રિકા વિચરણ વખતે કેન્યાના મસાઈમારા માં વિરાજમાન હતા - સ્વામીશ્રીનો બપોરનો આરામ માં જવાનો સમય થયો - આરામમાં જવા પહેલા થોડીવાર બેઠા - પછી પોઢવા જતા જતા બે હાથ ઊંચા કર્યા ને બોલવા લાગ્યા : " સહુનો સેવક એવો હું સાધુ કેશવજીવનદાસ ! સહુ નો સેવક" - સેવક સંત મુનિચિંતનસ્વામીએ કહ્યું : "સ્વામી ! આપ તો સહુના ગુરુ છો !" - તરતજ સ્વામીશ્રી કહે : "મને ગુરુ મનાતું જ નથી, હું દાસનો દાસ જ છું, સેવક છું." - આટલું બોલીને ઘસઘસાટ પોઢી ગયા - આ છે સ્વામીશ્રીની જીવનભાવના !!!
━•┈━══━┈┈━══━┈•━

(૪)

તાજેતરમાં ૨૦૧૭ પેરિસમાં સ્વામીશ્રીના વિચરણ દરમ્યાન એક યુવક જયેશ સિક્યુરિટીની સેવામાં રહે - જ્યારે તે પંદર વર્ષનો હતો ત્યારથી તેની પાસે એક ઓટોગ્રાફ બુક છે - જેમાં બધા સદગુરુ સંતોની સહી છે - એ વખતે તે મહંતસ્વામી મહારાજની સહી લેવા પણ ગયેલો - સ્વામીએ સહી ના કરતા ફક્ત એક ચિત્ર દોરી આપેલું - આટલા વર્ષો પછી જયેશને વિચાર આવ્યો કે સ્વામીશ્રીએ સહી નથી કરી ફક્ત ચિત્ર જ દોર્યું છે - તેણે આત્મસ્વરૂપ સ્વામીને પૂછ્યું : " સ્વામીશ્રી સહી કરી આપશે ?" - આત્મસ્વરૂપસ્વામી : "કરી આપશે, " - તે સ્વામીશ્રી પાસે ગયો - સ્વામીશ્રીએ ટૂંકી સહી , ' સા.કે.' (સાધુ કેશવજીવનદાસ ) કરી આપી - વર્ષો પહેલા સ્વામીશ્રીએ આ બુકમાં સાધુ નું ચિત્ર દોરી આપેલું એટલે જયેશે સ્વામીશ્રીને પૂછ્યું : "સ્વામી, તમે પહેલા આ સાધુ દોર્યા છે તો મારે શું સમજવું ?" - સ્વામીશ્રી એટલુંજ બોલ્યા  : " બધાએ સાધુ થવાનું છે !" - અર્થાત બધાએ એકાંતિક થવાનું છે - આ છે સ્વામીશ્રીના અંતર નો અભિપ્રાય...
━•┈━══━┈┈━══━┈•━

(૫)
દિલ્હી અક્ષરધામમાં નવો વોટરશો બન્યો ત્યારે તેમાં લાઇટિંગ એક્સપર્ટ તરીકે સેવા આપનાર એક રાલ્ફ નામના વ્યક્તિ.  - મહંતસ્વામી મહારાજ ગુરૂપદે આવ્યા પછી રાલ્ફ સૌ પ્રથમવાર પિંડવાળા માં મળી ને દર્શન કર્યા હતા - ત્રણ દિવસના રોકાણ દરમ્યાન એક દિવસ તેણે એક થાંભલાને લાઇટિંગ કરી સ્વામીશ્રી સમક્ષ ડેમોસ્ટ્રેશન કરેલું - સ્વામીશ્રીએ ખૂબ ભાવથી નિહાળ્યું - પછી સ્વામીશ્રીને હાર પહેરાવતી વખતે રાલ્ફને સ્વામીશ્રીના હાથ નો સહેજ સ્પર્શ થયો - મહંતસ્વામી મહારાજ એક પણ શબ્દ બોલ્યા નહોતા - રાલ્ફ એ પોતાની આ દિવ્ય અનુભૂતિ ની વાત પરત જતી વખતે પ્લેનમાં બેઠા બેઠા લખી - " સ્વામીશ્રીનું silence બહુ સ્પર્શી ગયું ! એમણે જ્યારે મારા હાથનો સ્પર્શ કર્યો ત્યારે જાણે હું બીજી દુનિયામાં હોઉં એવો દિવ્ય અનુભવ થયો !"
સ્વામીશ્રી એટલે દિવ્યતા નો મહાસાગર!!!
━•┈━══━┈┈━══━┈•━

(૬)
અમદાવાદમાં એક જગ્યાએ આપણું સ્થાન છે -  જે સોસાયટી માં આ સ્થાન આવેલું છે તે સોસાયટી ના ચેરમેન એક સરદારજી - બધી રીતે બહુ પહોંચેલા માણસ - આ સરદારજી આપણા સ્થાનનો અને પ્રવૃત્તિ નો ખુબજ વિરોધ કરે - સંતો એ સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કહે તમે બધા ખોટા છો, સમજવા જ તૈયાર નહિ - છેલ્લે સંતોએ આ સરદારજીને કહ્યું : " એક કામ કરો, અમને ઓળખવા માટે અમારા ગુરુ મહંતસ્વામી મહારાજને એક વખત મળો તો ખરા ! પછી તમને એવું લાગે તો વિરોધ ચાલુ રાખજો" - સરદારજી કહે : " હું આવું તો ખરો, પણ એક શરત ; મને પગે લાગવાનું કહેતા નહિ . હું ફક્ત ગુરુ ગોવિંદસિંહને જ પગે લાગુ છું એટલે બે નાવ માં સફર ન થાય એક જ નાવમાં થાય. જો મને ગુરુ ગોવિંદસિંહના દર્શન થાય તો પગે લાગીશ"  -  સરદારજી દર્શને આવ્યા - હથિયારધારી અંગરક્ષકો સાથે હાંફળા ફાંફાળા થતા સ્વામીશ્રીની રૂમમાં પ્રવેશ્યા - પ્રવેશતાની સાથે જ આશ્ચર્ય!!! - આ સરદારજી અંદર પ્રવેશતાજ સ્વામીશ્રીના ચરણે પડી ગયા ને કહેવા લાગ્યા : " સ્વામી , મને ક્ષમા કરો. હવેથી હું આપને સપોર્ટ કરીશ."
   મહંતસ્વામી મહારાજનું કેવું ઐશ્વર્ય !!! 

WhatsApp સંકલન

મહંતસ્વામી મહારાજે કરેલાં શુદ્ધ ઉપાસના લક્ષી કાર્યો.

મહંતસ્વામી મહારાજે કરેલાં શુદ્ધ ઉપાસના લક્ષી કાર્યો.

 (૧) સાધના મંત્ર આપ્યો.
   || અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોડસ્મિ ||
 --- તા ૨૫/૦૧/૨૦૧૮/ગુરુવાર/મહાસુદ૮/સં.૨૦૭૪.  ગોંડલ/અક્ષર મંદિર.

(૨) આશ્રય દીક્ષા મંત્ર આપ્યો.
   ધન્યોડસ્મિ પૂર્ણ કામોડસ્મિ, નિષ્પાપો નિર્ભય: સુખી.|
  અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત ||
  તા.૨૫/૦૩/૨૦૧૮/રવિવાર/ચૈત્ર સુદ ૯/સં.૨૦૭૪. સારંગપુર/BAPS મંદિર.

(૩) નૂતન મહાપૂજા આપી.
     તા. ૨૪/૧૧/૨૦૧૮/કારતક વદ ૧/શનિવાર/સં.૨૦૭૪/બોચાસણ.

(૪) સહજાનંદ નામાવલિ આપી. 
    તા. ૨૪/૧૧/૨૦૧૮/કારતક વદ ૧/શનિવાર/સં.૨૦૭૪... બોચાસણ.

(૫) નૂતન આરતી -- શુદ્ધ ઉપાસના + સાધનાલક્ષી.
    તા. ૨૪/૧૧/૨૦૧૭/કારતક વદ ૧/શનિવાર/સં.૨૦૭૪
 બોચાસણ.

(૬) સત્સંગદીક્ષા ગ્રંથ આપ્યો.
     તા. ૦૨/૦૪/૨૦૨૦/ચૈત્ર સુદ ૯/ગુરુવાર/સં.૨૦૭૭ નેનપુર/ શાંતિવન.

(૭) નિત્યપૂજાના બંને શ્લોક. 
       આહવાન મંત્ર +પુનરાગમન મંત્ર આપ્યો.
   ઉતિષ્ઠ સહજાનંદ શ્રીહરિ પુરુષોત્તમ...
   ભક્ત્યૈવ દિવ્યભાવેન....
   તા. ૧૦/૦૭/૨૦૨૦/શુક્રવાર/અષાઢ વદ ૫.  આ તારીખે હરિભક્તો પર પરિપત્ર આવેલ.

(૮) સત્સંગદીક્ષા ગ્રંથ ઉપર ભાષ્ય પૂ. ભદ્રેશદાસ સ્વામી દ્વારા લખાવ્યું.  (નેનપુરમાં રહ્યા થકા.)
   તા. ૩૧/૧૦/૨૦૨૦/શનિવાર/શરદપૂનમ/સં.૨૦૭૭.

(૯) હરિકૃષ્ણ મહારાજની અજોડ ભેડ અક્ષરબ્રહ્મ ગુણાનીતાનંદ. સ્વામીની ચલ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા -- મહાપૂજા -- નેનપુર.
   તા. ૩૧/૧૦-૨૦૨૦/શનિવાર/શરદપૂનમ/સં.૨૦૭૭.

(૧૦) પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે યજ્ઞ થયો જેમાં BAPS યજ્ઞવિધિ -- અક્ષરપુરુષોત્તમનો મહિમા આવે તેમ કર્યું.
   યજ્ઞ તારીખ -- તા. ૩૦/૧૦/૨૦૨૦/શુક્રવાર/આ.સુ.૧૪...

(૧૧) કાશીમાં અક્ષરપુરુષોત્તમ દર્શન પીઠની સ્થાપના થઈ.
   તા. ૨૮/૦૬/૨૦૧૯/જેઠ વદ ૧૦/શુક્રવાર/સં.૨૦૭૬.

(૧૨) સાધક તાલીમ સમય -- ૩ વર્ષ કર્યા.

(૧૩) BAPS પ્રાણપ્રતિષ્ઠા -- નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત થઈ.
   પુના -- તા. ૧૯/૦૨/૨૦૧૭/રવિવાર/મહા વદ ૮. 
   શિખરબદ્ધ મંદિર પ્રતિષ્ઠા અવસરે...

(૧૪) આસો સુદ પુનમથી કારતક સુદ પડવો, બેસતા વર્ષ સુધી ૧૫ દિવસનું ગુણાતીત બ્રહ્મ સત્ર તેનું આયોજન પૂજ્ય. ગુરુહરિ. મહંતસ્વામી મહારાજે કરાવ્યું હતું...

(૧૫) 'બાપા' દ્વારા કરવામાં આવેલ સત્સંગ દિક્ષા ગ્રંથની પ્રથમ પારાયણ

 (૧૬) ભક્તોમાં 'અક્ષરપુરુષોત્તમ' દર્શનને એકીકૃત કરવા માટે વિવિધ સ્થળોએ બ્રહ્મસત્રનું આયોજન

(૧૭) 'અક્ષરપુરુષોત્તમ' દર્શન પર વાત કરવા માટે વિવિધ દેશોની મુલાકાત લીધી હતી. હકીકતમાં તેમણે લગભગ ૧,૨૦,૦૦૦ લોકોને 125 કેન્દ્રોમાં સંબોધ્યા.

 (૧૮) પૂજ્ય ભદ્રેશસ્વામીજી દ્વારા 'બ્રહ્મસૂત્રભાષ્ય' પર સમગ્ર ભારતભરના સંસ્કૃત વિદ્વાનો માટે સંગઠિત શલાકા સ્પર્ધાનું આયોજન 

(૧૯) બરોડા, બેંગલુરુ અને લખનઉની ઘણી યુનિવર્સિટીઓ દ્વારા 'ભાષ્યગ્રંથ' નું સન્માન

(૨૦) બરોડા, જૂનાગઢ, ભાવનગર, સુરતમાં 'ભાષ્યગ્રંથ'ના સન્માનમાં મહાન સરઘસો...

(૨૧)બેંગકોક, વેનકુવર, લંડન, રોબિન્સવિલેમાં આંતરરાષ્ટ્રીય પરિષદોમાં અને ગાંધીનગર દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદોમાં 'અક્ષરપુરુષોત્તમ' નું ગૌરવ અને મહિમા ફેલાવ્યા છે.


WhatsApp મેસેજ - સંકલન

Saturday, June 25, 2022

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દોમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતોનો સારસંક્ષેપ

                                                    ॥ શ્રીસ્વામિનારાયણો વિજયતે ॥





બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના તાત્ત્વિક સિદ્ધાંતો: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - એ પાંચ તત્ત્વો નિત્ય છે, સત્ય છે અને પરસ્પર સ્વરૂપતઃ સદાય જુદાં છે.

પરબ્રહ્મ

અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નિત્ય, સર્વોપરી, સદા દિવ્ય, સદા સાકાર, નિર્દોષ, માયાપર, એક અને અદ્વિતીય ચૈતન્ય તત્ત્વ છે.

તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં સદા દિવ્ય દ્વિભુજ આદિ સર્વાંગ સંપૂર્ણ પુરુષાકૃતિ, અતિ પ્રકાશવાન, કિશોરમૂર્તિ થકા દિવ્ય સિંહાસનમાં વિરાજમાન છે. અને મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તથા તે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામેલા બ્રાહ્મીતનુયુક્ત અનંતકોટિ મુક્તો દાસભાવે તેમને ભજે છે. તેઓ સદા સ્વાભાવિક અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત છે, નિર્દોષ છે, સર્વદા સર્વઐશ્વર્યસંપન્ન છે, સર્વજ્ઞ છે, સર્વકર્તાહર્તા છે. સકળ સૃષ્ટિના નિમિત્ત અને ઉપાદાન કારણ છે. તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં વ્યતિરેકસ્વરૂપે વિરાજમાન થકા જ અન્વયસ્વરૂપે અનંતકોટિ બ્રહ્માંડોમાં અંતર્યામીપણે વ્યાપક અને તેના આધાર છે. તેઓ સદાય જીવ, ઈશ્વર, માયા, અક્ષરમુક્તો અને અક્ષરબ્રહ્મ – એ સર્વે કરતાં અનંત ઘણા સમર્થ અને એ સર્વેના સ્વતંત્રપણે નિયંતા, પ્રેરક અને શરીરી છે. તેઓ પોતાની ઇચ્છાથી સર્વે જીવો તથા ઈશ્વરોના કર્મફળપ્રદાતા છે; અને તેઓની ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિના પ્રેરક છે.

માયિક ઇન્દ્રિય-અંતઃકરણને અગોચર એવા આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતાના દિવ્ય સંકલ્પથી, કરુણાએ કરીને, અનંત જીવો તથા ઈશ્વરોના આત્યંતિક કલ્યાણને અર્થે અને પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અક્ષરધામમાં રહ્યા થકા જ, પોતાનાં સર્વ દિવ્ય ગુણ, ઐશ્વર્ય આદિ સહિત જ બ્રહ્માંડ-બ્રહ્માંડ પ્રત્યે સાક્ષાત્ મનુષ્યરૂપે પ્રગટ થઈ સર્વેને નયનગોચર થાય છે.

એ પ્રત્યક્ષ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજ, શ્રીસ્વામિનારાયણ ભગવાન છે. તેઓ જ આપણા સૌના પરમ ઉપાસ્ય છે. અને સદા કાળ પોતાની પ્રત્યક્ષપણે ઉપાસના કરાવવા પોતે અંતર્ધાન થયા પછી પણ સાક્ષાદ્ અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુહરિ દ્વારા સમ્યગ્, અન્વયસ્વરૂપે સદા પ્રગટ રહે છે.

તેઓ સર્વ અવતારના કારણ છે, અવતારી છે, અધિપતિ છે. કોઈ વિશેષ કાર્ય નિમિત્તે તેઓ જ્યારે જીવો તથા ઈશ્વરોના ચૈતન્યોમાં સંકલ્પવિશેષરૂપ અનુપ્રવેશ કરે છે ત્યારે અવતારો સંભવે છે. આ પ્રત્યેક અવતારોના ચૈતન્યો સ્વરૂપ-સ્વભાવે કરીને એકબીજાથી જુદા છે. આ અવતારોની જેમ જ વાસુદેવાદિક ચતુર્વ્યૂહ તથા કેશવાદિક ચોવીસ મૂર્તિઓ વગેરેના ચૈતન્યો પણ સ્વરૂપ-સ્વભાવે કરીને એકબીજાથી જુદા છે.

અક્ષરબ્રહ્મ

અક્ષરબ્રહ્મ પરબ્રહ્મથી ભિન્ન અને પરબ્રહ્મની જેમ નિત્ય, એક અને ત્રિગુણાતીત એવું ચૈતન્ય તત્ત્વ છે. તે સદા દિવ્ય છે, અનંત કલ્યાણમય ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત, સદા નિર્દોષ છે. આ અક્ષરબ્રહ્મનાં સ્વરૂપ, ગુણ, ઐશ્વર્ય વિગેરે એકમાત્ર પરબ્રહ્મને જ આધીન છે. અને પરબ્રહ્મની નિત્ય ઇચ્છાથી તે જડચિદાત્મક સકલ સૃષ્ટિનું કારણ, આધાર, વ્યાપક, નિયામક અને શરીરી છે.

આ અક્ષરબ્રહ્મ તત્ત્વતઃ એક જ હોવા છતાં ચાર રૂપે વિભિન્ન સેવારૂપ કાર્ય કરે છે.

અક્ષરબ્રહ્મ ચિદાકાશરૂપે અનંતકોટિ બ્રહ્માંડોની અંદર અને બહાર વ્યાપીને રહે છે, તથા તેને ધારણ કરી રાખે છે.

અક્ષરબ્રહ્મ ધામરૂપે પરબ્રહ્મ અને તેમની સેવામાં રહેલ મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તથા અનંતકોટિ અક્ષરમુક્તોનું દિવ્ય નિવાસસ્થાન છે. આ અક્ષરધામ એક જ, નિત્ય અને સદા ત્રિગુણાતીત છે. અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામેલા મુક્તો જ તેમાં પ્રવેશી શકે છે.

અક્ષરબ્રહ્મ સેવકરૂપે એ જ અક્ષરધામમાં પરબ્રહ્મની જેમ જ દિવ્ય, દ્વિભુજ આદિ સર્વાંગ સંપૂર્ણ પુરુષાકારે સદાય પરબ્રહ્મની સેવામાં અક્ષરમુક્તોના આદર્શરૂપે રમમાણ રહે છે.

વળી, એ જ અક્ષર સંસારમાં બદ્ધ જીવો તથા ઈશ્વરોને પોતાના દિવ્ય પ્રસંગથી બ્રહ્મરૂપ કરી પરબ્રહ્મનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરાવવા માટે, તેઓના આત્યંતિક કલ્યાણ માટે તથા સદા પરમાત્માના પ્રગટપણાની અનુભૂતિ કરાવવા માટે પરબ્રહ્મના સમ્યગ્ અને અખંડ ધારક ગુરુરૂપે તે તે બ્રહ્માંડોમાં પરમાત્મા સાથે મનુષ્યરૂપ ધરી અવતરે છે, સંપ્રદાયની પરંપરાને રક્ષે છે અને સર્વેને પરમ સુખનો અનુભવ કરાવે છે. અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુઓની આ પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ પ્રગટ થયા છે. અને આ પરંપરા અખંડ ચાલુ જ રહે છે. એક કાળે આવા એક જ ગુરુ દ્વારા આત્યંતિક કલ્યાણ(નો) માર્ગ ચાલુ રહે છે.

માયા

માયા ત્રિગુણાત્મક, પરિણામી નિત્ય, જડ, અનંતકોટિ બ્રહ્માંડરૂપ સૃષ્ટિનું ઉપાદાન અને વિવિધ વિસ્મયકારી એવી પરબ્રહ્મની શક્તિ છે. આ જ માયા જીવો તથા ઈશ્વરોની અહં-મમતાનો હેતુ હોઈ તેઓની અનાદિ સંસૃતિનું કારણ બને છે. અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ સદાય આ માયાથી અત્યંત નિર્લેપ, પર અને તેના શરીરી છે.

ઈશ્વર

ઈશ્વર એ પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ અને જીવોથી ભિન્ન એવું નિત્ય ચૈતન્ય તત્ત્વ છે. આ ઈશ્વરો અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મની અપેક્ષાએ અત્યંત અસમર્થ હોવા છતાં જીવોની અપેક્ષાએ વધુ સામર્થ્ય અને જ્ઞાન ધરાવે છે. પરમાત્મા તેઓ(ને) પોતાની ઇચ્છાથી તે તે બ્રહ્માંડની ઉત્પત્તિ વિગેરે કાર્યમાં પ્રેરે છે. આ ઈશ્વરો જીવની જેમ અસંખ્ય, સ્વરૂપતઃ અણુવત્ સૂક્ષ્મ, અચ્છેદ્યાદિ લક્ષણે યુક્ત, જ્ઞાનસ્વરૂપ, જ્ઞાતા, અનાદિકાળથી માયાથી બદ્ધ, શુભાશુભ કર્મના કર્તા અને તે તે કર્મફળના ભોક્તા છે. પ્રધાનપુરુષ, વિરાટ-પુરુષ, તેનાં ઇન્દ્રિયો-અંતઃકરણના દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વિગેરે ઈશ્વર તત્ત્વના ચૈતન્યો છે, અને તે ચૈતન્યો સ્વરૂપ-સ્વભાવે કરીને પરસ્પર જુદા છે.

જીવ

જીવ એ પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ અને ઈશ્વરોથી ભિન્ન એવું નિત્ય ચૈતન્ય તત્ત્વ છે. આ જીવો અસંખ્ય, સ્વરૂપતઃ અણુવત્ સૂક્ષ્મ, અચ્છેદ્યાદિ લક્ષણે યુક્ત, જ્ઞાનસ્વરૂપ, જ્ઞાતા, અનાદિકાળથી માયાથી બદ્ધ, શુભાશુભ કર્મના કર્તા અને તે તે કર્મફળના ભોક્તા છે.

સાધના અને ફળ

આત્યંતિક કલ્યાણ માટે મુમુક્ષુએ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, તથા તેમના અખંડધારક પ્રગટ અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુહરિને વિષે નિર્દોષબુદ્ધિ, પરમ દિવ્યભાવ અને પ્રત્યક્ષ પરબ્રહ્મના ભાવથી દૃઢ પ્રીતિ કરવી. મન, કર્મ, વચને તેમનો દૃઢ પ્રસંગ કરી તેમને અતિશય રાજી કરવા.

આ રીતે સાધના કરનાર મુમુક્ષુઓ એવા જીવો તથા ઈશ્વરો પરબ્રહ્મની કૃપાથી એકાંતિક ધર્મ સિદ્ધ કરી, બ્રહ્મરૂપ થઈ એટલે કે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામી પરબ્રહ્મની પરાભક્તિને પામે છે. તેમનાં સઘળાં દુઃખ તથા દોષ કાયમ માટે નાશ પામે છે, અને છતી દેહે પરમાત્માના પરમ આનંદને અનુભવતો રહે છે. પરમાત્માની ઇચ્છાથી આવો બ્રહ્મરૂપ ભક્ત દેહ મૂકીને અર્ચિમાર્ગે પરમાત્માના અક્ષરધામને પામી, બ્રાહ્મીતનુએ યુક્ત થઈ સદાય અક્ષરધામાધિપતિ પરબ્રહ્મની દાસભાવે દર્શનરૂપ સેવા કરતો થકો દિવ્ય આનંદને ભોગવતો રહે છે.

અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનું તાત્પર્ય

અક્ષરપુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પુરુષોત્તમ - એમ બે તત્ત્વોની ઉપાસના નહીં, પરંતુ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના. અર્થાત્ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના. તેથી મનુષ્યરૂપે વિચરતા પરબ્રહ્મના સ્વધામગમન બાદ પણ બ્રહ્મસ્વરૂપ ગુરુના ભાવને લીન કરીને તેમના દ્વારા પરમાત્મા જ સ્વયં વિચરતા હોવાથી તે પ્રત્યક્ષ ગુરુહરિનો પ્રસંગ કરનાર મુમુક્ષુને ઉપાસના તો એકમાત્ર પરમાત્માની જ રહે છે.

અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના આ તાત્પર્યમાં જ સ્વામિનારાયણ મહામંત્રના અર્થનો સમાવેશ થઈ જાય છે. જેમ કે, સ્વામીરૂપ અર્થાત્ અક્ષરરૂપ થઈને નારાયણની અર્થાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દાસભાવે ભક્તિ-ઉપાસના કરવી.

સમાપન

આમ, આ તાત્ત્વિક સિદ્ધાંતો વૈદિક, સનાતન, શ્રીજીપ્રબોધિત અને ગુણાતીત ગુરુપરંપરા દ્વારા પ્રવર્તાવેલ છે. તેથી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સૌ આશ્રિતોએ આ પ્રમાણે સમજણ દૃઢ કરવી, અને અન્ય મુમુક્ષુઓને કરાવવી.

– શા. નારાયણસ્વરૂપદાસ(પ્રમુખસ્વામી મહારાજ) ના જય સ્વામિનારાયણ.

ગુરુપૂર્ણિમા, સંવત ૨૦૬૪, બોચાસણ.

(સને ૨૦૦૮)